એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Sunday, 15 March 2015

ચિત્ર-વિચિત્રનો પારંપારિક લોકમેળો મહાલવા આદિવાસીઓ ઉમટી પડશે

સાબરકાંઠામાં આદિવાસીઓનો અનોખો મેળો એટલે ખેડબ્રહ્માથી ૫૦ કિમી દુર ગુણભાખરી ગામે ભરાતો ચિત્રવિચિત્રનો મેળો. ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક સંતાકુકડી રમતી અરવલ્લીની હારમાળા વચ્ચે સાબરમતીના ત્રિવેણી સંગમ પર નિર્જન છતાં રમણીય સ્થળે બિરાજતા શ્રી ચિત્ર વિચિત્ર મહાદેવના સાન્નિધ્યમાં હોળી પછી પંદર દિવસ એટલે કે ફાગણ અમાવસના દિવસે ભરાય છે. તા. ૧૯-૩-૧૫ના રોજ ચાલુ થતા આ મેળામાં લોકો ઉમટી પડશે. આદિવાસી તરુણીઓના તરખાટથી ધરતી ધણધણી ઉઠશે. અહીં ગુજરાત, રાજસ્થાનના આદિવાસીઓ મેળો મહાલવા ઉમટી પડે છે. દૂર દૂર ડુંગરીની ટેકરીઓમાંથી રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી તરૃણ, તરૃણીઓ ઉભરાવવા માંડે છે. કોઈના માથે સાફા, મરોડદાર કેશકલાપમાં પરોવેલો એકાદ કાંગો (કાંસકો) અને પીનોનો સેટ બનાવટી ફૂલ મનને ચકરાવે ચડાવે તેવી ભાતીગળ ઓઢણી અને આભૂષણોનો ઠાઠ જાણે ધરતી પર દેવકન્યાઓ ઉતરી પડે તેવી ભીલ કન્યાઓ ઢબુક ઢબુક ઢોલના તાલે નાચતા નદીનાળા પાર કરતા મેળો મહાલવા ઉમટી પડે છે.
આંખમાં ઉલાળાથી કામણ કરતો યુવક પોતાના મનની માનીતીને શોધવાનો પ્રયત્ન કરે છે તો કોઈ યુવતી મનના માણીગરને હૈયામાં ધરબવા બાવળી બને છે. ત્યાં કોઈ છેલને નખરાળી ગમી ગઈ તો ગમતા છોકરાકે છોકરી પાસે પહોંચી જાય. ચવાણું કે પાન કે ચગડોળ જો સાથ આપે તો અહીંથી તેમની મુલાકાત ચાલુ થાય. છૂટા પડતાં ફુદડીનો સુંદર રૃમાલ એકબીજાને ભેટ આપતા જાય. અવાર નવારની મુલાકાત અને પ્રેમની પરાકાષ્ઠા પછી વાલીઓ સંમત થાય તો ઠીક છે, નહીં તો છોકરી ભગાડી પોતાના કોઈ સગાને ત્યાં સંતાડી દે ત્યાં કુવા ઉપરથી પાણીનું બેડું ભરીને લાવે તો તેની સંમતિ છે તેમ માની લેવામાં આવે છે. ઘી વિનાનું ઘઉંના લોટ અને ગોળમાંથી બનાવેલું ચુરમું વહેંચે છે. આ વિધિ સવારના થાય છે. બપોરના બાર વાગ્યા પછી નદીના સામે કાંઠે આવેલા ઘટાદાર વૃક્ષો નીચે જુદા જુદા બાર ગામના લોકો ભેગા થાય છે. ભેગા થવા માટે દરેક ગામનું એક ચોક્કસ વૃક્ષ હોય છે ત્યાં ઢોલ વગાડતા યુવકો સાથે જવારા રાખી ભીલ કન્યાઓ નાચનો સથવારો આપે છે. જ્યારે ગામના લોકો પોતપોતાના વૃક્ષો નીચે આવી ગયાની જાણ તેમના આગેવાન ભેગા થવાથી પડે છે. ચિત્ર વિચિત્ર મેળાના સ્થાન અંગે એક દંતકથા છે. તે મુજબ હસ્તીનાપુરના રાજા શાન્તુના બે કુંવરો ચિત્ર અને વિચિત્ર વિર્ય તેમની માતા પર અપવિત્ર આચરણનો આક્ષેપ કરેલો પણ જ્યારે તેમને પોતાની ભુલ સમજાઈ ત્યારે પ્રાયશ્ચિત કરવાનો નિર્ધાર કર્યો. બંને કુંવરો પવિત્ર મનાતા પારસ પીપળાના ઝાડના થડના પોલાણમાં પેઠા અને આગ સળગાવી હોમાઈ ગયા. આમ પાપમાંથી મુક્તિ મેળવી જ્યાં બળી મર્યા તે આજ ત્રિવેણી સંગમ જ્યાં હાલ પારસ પીપળીની જગ્યાએ એક મુકસાક્ષી મુર્તિ ડેરી ઊભી છે. અહીં એક શીવલીંગનું મંદિર છે. આ મહાદેવને અહીંની પ્રજા ચિત્ર-વિચિત્રના મહાદેવના નામથી ઓળખે છે. તેમની મનોકામનાની સિધ્ધિઓ માટે આ દેવનો તેમજ અડગ વિશ્વાસ છે જ્યાં પ્રેમનો પાવો બાજી ઊઠે છે. એવા સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના તાલુકાના આદિવાસીઓનો આ મેળો છે. ચિત્ર વિચિત્ર અનેરો મેળો જે માણવો તે પણ એક લહાવો છે.

No comments:

Post a Comment