એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Wednesday, 11 March 2015

સુરાલીમાં ધો. ૧ થી ૫ના બાળકોને ભણાવવા માટે માત્ર એક શિક્ષક

ધો. ૧ થી ૫ સુધીની પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક હોય તો બાળકોને કેવું શિક્ષણ મળતું હોય તે સૌ સમજી શકે એમ છે. માંગરોળ તાલુકાના સુરાલી ગામની પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે અને આ શિક્ષક મીટીંગમાં જાય કે રજા પર હોય ત્યારે આખી પ્રાથમિક શાળા શિક્ષક વિનાની થઇ જાય છે. વાલીઓની વારંવારની રજુઆત બાદ પણ કોઇ શિક્ષક નહીં મુકાતાં ગ્રામજનો તાળાબંધી કરવાના મૂડમાં જણાય છે.
રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી હોવાના બણગાં ફૂકે છે ત્યારે માંગરોળ તાલુકાના સુરાલી ગામે કાર્યરત પ્રાથમિક શાળામાં ઘણા લાંબા સમયથી માત્ર એક જ શિક્ષક ફરજ ઉપર આવતો હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું હોવાની બૂમરાણ ઉઠી છે.
સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત સુરાલી પ્રાથમિક શાળા ખાતે ધો. ૧ થી ૫ સુધીના વર્ગો ચાલે છે. જેમાં ૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં બે શિક્ષકોનું મહેકમ બોલે છે. આ શાળા ખાતે બે શિક્ષકો ફરજ બજાવતા હોવાનું તંત્રના રેકર્ડ ઉપર ચાલે છે. પરંતુ એક શિક્ષક ઘણા લાંબા સમયથી મેન્ટેલી બિમારીના પગલે ફરજ ઉપર આવી શકતો નથી. જેથી ઘણા લાંબા સમયથી ધો.૧ થી ૫ વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. જ્યારે આ શિક્ષકે મીટીંગમાં જવાનું હોય કે પછી રજા ઉપર હોય ત્યારે આખેઆખી શાળા શિક્ષક વિનાની થઇ જાય છે. આ સંદર્ભે છેલ્લા ઘણા લાંબા સમયથી ગ્રામજનો દ્વારા રજૂઆતો કરાઇ રહી છે. છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. જેથી હવે ગ્રામજનો ગમે ત્યારે તાળાબંધી કરશે.

No comments:

Post a Comment